મુખ્યમંત્રી આજે ગુરુવારે બપોરે 3:30 કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચશે અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે. મુખ્ય સચિવ રાજકુમાર પણ આ મુલાકાતમાં મુખ્યમંત્રીની સાથે જોડાશે.