રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર પહેલા દિવસથી કમાણીમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે ત્રીજા દિવસે 45 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતમાં ફર્સ્ટ વીકેન્ડમાં 125 કરોડની કમાણી કરી છે. છેલ્લા છ વર્ષમાં વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બની છે. આ સાથે જ ફિલ્મે વર્લ્ડવાઇડ 225 કરોડનો બિઝનેસ કર્યો છે.
ત્રણ દિવસનો ગ્લોબલ બિઝનેસ
અયાન મુખર્જીની ફિલ્મે ભારત તથા વિદેશમાં સારી કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 75 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 10 કરોડ વધુ એટલે કે 85 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે બિઝનેસમાં ઘટાડો થયો હતો અને કમાણી 65 કરોડ થઈ હતી.
410 કરોડનું બજેટ
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 410 કરોડ છે. ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 36 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે 42 કરોડ તથા ત્રીજા દિવસે 45 કરોડની કમાણી કરી હતી.ટ્રેડ પંડિતોના મતે, ફિલ્મ આગામી બે દિવસમાં 300 કરોડનો બિઝનેસ કરી શકે છે. ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન તથા મૌની રોય છે.
PVR તથા Inoxના શૅરમાં વધારો
શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ સો.મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થવાથી PVR તથા Inoxના શેરમાં 8%નો ઘટાડો થયો છે. આ જ કારણે આ બંને થિયેટર કંપનીને 800 કરોડનું નુકસાન થયું છે. જોકે, સોમાવાર (12 સપ્ટેમ્બર)ના રોજ PVR તથા Inoxના શેરમાં 4% (75 રૂપિયા) તથા 4.75% (22 રૂપિયા)નો વધારો થયો છે. બંનેના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 450 કરોડનો વધારો થયો છે. આશા છે કે ભારતનું એન્ટરટેઇનમેન્ટ સેક્ટર આગામી સમયમાં સારું પ્રદર્શન કરશે.
અયાને ચાહકોનો આભાર માન્યો
રવિવાર, 11 સપ્ટેમ્બરના રોજ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ બે દિવસનું કલેક્શન શૅર કરીને આભાર પ્રગટ કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘પ્રેમથી મોટું આ દુનિયામાં કોઈ બ્રહ્માસ્ત્ર નથી. આ વીકેન્ડમાં થિયેટરમાં જઈને પોતાનો પ્રેમ બતાવવા માટે તમામ દર્શકોનો આભાર.’
વીકેન્ડમાં એડવાન્સ બુકિંગથી 23 કરોડની કમાણી કરી
ઇન્ડસ્ટ્રી ટ્રેકિંગ પોર્ટલના મતે, ‘બ્રહ્માસ્ત્ર’ના હિંદી વર્ઝનનું ઓપનિંગ વીકેન્ડનું બુકિંગ 22.25 કરોડ રહ્યું. ફિલ્મના તેલુગુ વર્ઝનની 98 લાખ તથા તમિળની 11.1 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ છે. કન્નડ, મલયાલમ વર્ઝનનું એડવાન્સ બુકિંગ ઓછું થયું હતું.